પંચાયત વિભાગ


મુખપૃષ્ઠજિલ્લા વિષેઈતિહાસ

અમરેલી જિલ્લાનો ઈતિહાસ

૧૮૧૧ માં નવાબ હમીદખાનના અવસાન પછી જૂનાગઢની ગાદી પરનો પોતાનો દાવો સ્થાપિત કરવામાં જેમને ગાયકવાડે સહાય કરી હતી તે બહાદુરખાન સાથે થયેલા કરાર અનુસાર નવાબનો બાકીનો હિસ્સો ગાયકવાડે મેળવ્યો હતો. વડોદરા રાજય હેઠળના ભૂતપૂર્વ અમરેલી પ્રાન્ત ઉપરાંત, હાલના જિલ્લામાં બીજા કેટલાય વિસ્તારોનો સમાવેશ થાય છે. રાજુલા વિસ્તાર અસરલમાં બાબરિયા ધારના બાબરિયાઓનો હતો અને તે પછી જૂનાગઢના નવાબના કબજામાં હતો, જેમની પાસેથી ૧૭૮૬-૮૭માં મેળવીને ભાવનગરના રાજાએ પોતાના પ્રદેશમાં ભેળવી દીધો. બાબરા અને ચિતલ કાઠી રાજવીઓ અને નાના સરદારોના હાથમાં હતા. મૂળમાં જાફરાબાદ દંડા રાજપૂતોનું રાજય હતું. ગુજરાત અને દ્વિપકલપમાં મોગલ સૂર્ય અસ્તાચલે જતો હતો ત્યારે સ્વતંત્ર થઈ જનાર ઝંઝીરાના સીદી હિલાલને આ પ્રદેશનો હાકેમ નીમવામાં આવ્યો અને આ વિસ્તાર ઝંઝીરા રાજયનો ખંડિયો બન્યો.

દુન્‍યવી જીવનની નિરર્થકતાને લક્ષ બનાવતા અને પોતાના સમયના ધાર્મિક આગેવાનોના ઢોંગીપણાને ઉધાડા પાડતી પોતાની વ્યંગપૂર્ણ કવિતાઓ (ચાબખાઓ) લખવા માટે જાણીતા ભોજા ભગત અમરેલી તાલુકાના ફતેહપુર ગામના હતા. ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત રાજ કવિ ઠાકોર સાહેબ સુરસિંહજી, જેઓ કલાપી તરીકે પણ ઓળખાય છે, જેઓ અગાઉના લાઠી રાજયના રાજવી હતા અને હાલ તે રાજય અમરેલી જિલ્લાનો ભાગ છે.


મે ૧૯૪૯ માં રાજયનું મુંબઈ રાજય સાથે વિલીનીકરણ થતાં, આ જિલ્લો અગાઉના મુંબઈ રાજયનો એક ભાગ બન્યો, તેમાં અગાઉના વડોદરા રાજયના અમરેલી અને ઓખામંડળ જિલ્લાઓ તથા અમદાવાદ જિલ્લાના ધોધા મહાલનો સમાવેશ કરાયો હતો. ધોધા મહાલ અને ઓખામંડળ અનંક્રમે ભાવનગર અને જામનગર જિલ્લામાં ભેળવી દેવાયા જયારે ભાવનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્‍તારો અમરેલી જિલ્લામાં તબદીલ કરવામાં આવ્યા. હાલ રચાયેલો અમરેલી જિલ્લો બહુ તાજેતરમાં રચાયેલો છે. પરંતુ તેમાં સમાવિષ્ટ વિસ્તારોનો વહીવટી ઇતિહાસ બહુ અગત્યનો છે.


હાલના અમરેલી પ્રાંતના કેટલાક હાલના પ્રદેશોમાં અમરેલી, દામનગર, ભીમકટા (પેટા), ધારી, ખાંભા(પેટા), કોડિનાર અને રતનપુર(પેટા) મહાલનો સમાવેશ થાય છે, જે બધા ૧૯૪૯માં વડોદરા રાજયના ભાગ હતા. ૧૯૪૯માં વડોદરા રાજયના બીજા ભાગો સાથે અમરેલી પ્રાંત મુંબઈ રાજયમાં ભેળવી દેવામાં આવ્યો. આમ, હાલનો અમરેલી જિલ્લો જુદા-જુદા દરજજાના અને કદના કેટલાય દેશી રાજયોમાંથી બનાવવામાં આવ્યો છે. ભૂતપૂર્વ વડોદરા રાજયના અમરેલી પ્રાંત ઉપરાંત આ જિલ્લામાં ભૂતપૂર્વ ભાવનગર અને જુનાગઢ રાજયોના કેટલાક પ્રદેશો, જાફરાબાદ, લાઠી, ડેડાણ, બગસરા, ચરખા, લાખાપાદર, વાંકિયા, કોટડાપીઠા, ગરમલી નાની - મોટી, જામકા, વડિયા, થાણાદેવળી, અમરાપુર, અને બાબરાની જાગીરોનો સમાવેશ થાય છે. બિલખા, જેતપુર અને ભેંસાણ જેવા પડોશના ભૂતપૂર્વ રાજયોના કેટલાક ગામો પણ આ જિલ્લામાં ભેળવવામાં આવ્યા છે.


૧૯પ૬ નવેમ્બરમાં રાજયોનો પુર્નરચના થઈ અને વિદર્ભ, મરાઠાવાડા, સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રદેશો સાથે બુહદ દ્વિભાષી રાજયનો એક ભાગ બન્યો. ૧૯પ૯માં કટલાયે પ્રાદેશિક ફેરફારો કરીને આ જિલ્લાની પુર્નરચના કરાઈ હતી. છેલ્લે 1 લી મે ૧૯૬૦ ના રોજ મુંબઈ રાજયનું વિભાજન થયું અને ગુજરાત તથા મહારાષ્ટ્રના અલગ રાજયો રચવામાં આવ્યા તે તારીખથી અમરેલી જિલ્લો ગુજરાત રાજયનો એક ભાગ બન્યો.


પાછળ જુઓ